001 સૂરહ ફાતિહા
الفاتحة - સૂરહ અલ્-ફાતિહા
સૂરહ ક્રમાંક: ૧ | આયતો: ૭ | પારો: ૧ | રુકૂઅ: ૧ | મક્કી
بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِیْمِ
بِسْمِ
નામથી શરૂ
اللَّهِ
અલ્લાહના
الرَّحْمَٰنِ
અત્યંત કૃપાળુ
الرَّحِيمِ
અત્યંત દયાળુ
અનુવાદ: ૧. અલ્લાહના નામથી, (શરૂ કરું છું), જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે.
📖 તફસીર:
સુરહ ફાતિહાનો પરિચય:- તિલાવત કરતાં પહેલાં "તઉઝ" નો હુકમ:- કુરઆન કરીમની તિલાવત શરૂ કરતાં પહેલાં (اَعوذ باللّٰہ من الشیطٰن الرّجیم) જરૂર પઢવામાં આવે, કારણ કે અલ્લાહે ફરમાવ્યું ( فَاِذَا قَرَاْتَ الْقُرْاٰنَ فَاسْتَعِذْ باللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ 98) (સુરહ નહલ-૯૮) "જ્યારે તમે કુરઆન પઢો તો શૈતાન મરદૂદથી અલ્લાહની પનાહ તલબ કરો" કુરઆનથી ધ્યાન ન ભટકે અને હિદાયત મેળવવા "અઉઝુબિલ્લાહ...." પઢવુ જરૂરી છે અને આ દુઆ ખુદ અલ્લાહે પોતાના બંદાઓને શીખવી છે. ફઝાઈલે સુરહ ફાતિહા:- સૈયદના અબ્દુલ્લાહ બિન અબ્બાસ (રઝી.) કહે છે કે એક દિવસે જીબ્રઈલ(અ.સ.) રસુલુલ્લાહ(ﷺ)ની પાસે બેઠા હતા કે એમણે પોતાની ઉપર એક જોરદાર અવાજ સાંભળ્યો અને એમણે પોતાનું માથું ઉપર ઉઠાવ્યું પછી ફરમાવ્યું "આ આસમાનનો એક દરવાજો છે જે આજથી પહેલાં ક્યારેય નથી ખુલ્યો પછી કહ્યું આ એક ફરિશ્તો છે જે આજથી પહેલાં જમીન પર ક્યારેય નાઝીલ નથી થયો, પછી એ ફરિશ્તાએ આપને સલામ કહ્યા અને બે નૂરોની ખુશખબરી આપી અને કહ્યું; આ બે નૂર આપને જ આપવામાં આવે છે આપનાથી પહેલાં કોઈ નબીને નથી આપવામાં આવ્યાં, એક સુરહ ફાતિહા અને બીજું સુરહ બકરહ ની છેલ્લી બે આયતો, આપ જ્યારે પણ આ બેમાંથી કોઈ કલ્માને તિલાવત કરશો તો આપે તલબ કરેલ વસ્તુને જરૂર આપવામાં આવશે. (સહીહ મુસ્લિમ-કિતાબ ફઝાઈલે કુર્આન-બાબ ફઝલુલ ફાતિહા) સુરહ ફાતિહાના અલગ-અલગ નામ:- સૈયદના અબુ સઈદ બિન મઅલી(રઝી.) ફરમાવે છે કે આપ(ﷺ)એ મને ફરમાવ્યું "હું તને કુરઆનની એક એવી સુરહ બતાવું જે કુરઆનની દરેક સુરહ થી વધીને છે અને એ છે આયત ( اَلْحَمْدُ لِلّٰہِِ رَبِّ الْعَالَمِیْنَ ) એ જ (سَبْعًا مِّنَ الْمَثَانِیْ ) અને કુરઆન અઝીમ છે જે મને આપવામાં આવ્યું છે (બુખારી-કિતાબુલ તફસીર સુરહ ફાતિહા) આ સુરહ નું નામ "અસ્-સિફાઅ" અને "અર્-રુકિયા" પણ છે:- સૈયદના અબુ સઈદ ખુદરી(રઝી.) કહે છે કે આપ(ﷺ) ના કેટલાક સહાબાઓ અરબના એક કબીલા પર પહોંચ્યા તો ત્યાંના લોકોએ તેમની મહેમાની ન કરી, અને (એ અરસામાં)ના સરદારને વિચ્છુએ ડંખ માર્યો જેથી તેઓ સહાબા(રઝી.) પાસે આવ્યા અને કહ્યું કે તમારામાંથી કોઈની પાસે વિચ્છુના ડંખની દવા કે કંઈક દમ-ફૂક છે? એમણે કહ્યું: હાં છે, પરંતુ તમે અમારી મહેમાની ન કરી એટલા માટે અમે આના પર મહેનતાણું લઈશું તેઓએ કેટલીક બકરીઓ(એક બીજી રિવાયત માં છે કે (૩૦ જેટલી) બકરીઓ) આપવાનું કબૂલ્યું, સહાબીએ(એટલે કે અબુ સઈદ(રઝી.)) એ સુરહ ફાતિહા પઢવાનુ શરૂ કર્યું, અને સુરહ ફાતિહા પઢીને ફૂંક મારી દેતાં, થોડાક દિવસોમાં તે સરદાર ઠીક થઈ ગયો, (વાયદા પ્રમાણે) કબીલાવાળાઓ બકરીઓ લઈને આવ્યા તો અન્ય સહાબાઓને વિચાર આવ્યો (કે આ મહેનતાણું લેવાય કે ન લેવાય) અને કહેવા લાગ્યા કે જ્યાં સુધી આપણે નબી(ﷺ)ને પૂછી ન લઈએ ત્યાં સુધી બકરીઓ નહીં લઈએ, (સહાબાઓ) આપ(ﷺ)થી પૂછ્યું તો આપ(ﷺ) એ ફરમાવ્યું: તમને આ કેવી રીતે ખબર પડી કે સુરહ ફાતિહા દમફૂક(ઈલાજ) પણ છે? સારૂ! એ બકરીઓ લઈ લો અને (એમાંથી) મારો હિસ્સો પણ કાઢજો અને ઇબ્ને અબ્બાસ (રઝી.) થી રિવાયત છે કે જ્યારે સહાબા(રઝી.) મદીના પહોંચ્યા તો કોઈએ કહ્યું: યા રસૂલુલ્લાહ(ﷺ) એ વ્યક્તિ (અબુ સઈદ ખુદરી(રઝી.)) એ કિતાબુલ્લાહ પર મહેનતાણું લીધું છે આપ(ﷺ) એ ફરમાવ્યું: إن أحق ما أخذتم علیہ أجرا کتاب اللہ (તમારું મહેનતાણું લેવાનું સૌથી વધારે હક તો કિતાબુલ્લાહ જ છે) (સહીહ બુખારી કિતાબુલ તિબ્બુલ રુકી-બાબ અર્- રુકી-બિફાતિહતુલ કિતાબ, હદીસ નં:-2276) આ હદીસથી એવું પણ માલૂમ થાય છે કે સહાબાઓએ મહેનતાણું એટલા માટે લીધું કે એ વસ્તીવાળાઓએ તેમની મહેમાની ન કરી અને તેઓ જરૂરિયાત મંદ હતાં અને મુસાફરીના સામાનની પણ અછત હતી. અને દમ ફૂંક ની જરૂર પડે તો ફક્ત કિતાબુલ્લાહથી જ દમ કરવાનું અને તેમાં શિર્ક-બિદઅત ન હોવું જોઈએ, જરૂરિયાત મંદ લોકો દમ-ફૂક નું મહેનતાણું લઈ પણ શકે છે. દમ-ફૂક ને ધંધો બનાવી લેવો ખાવામાં અથવા પાણી માં મિલાવીને પીવડાવવું અથવા ગળા માં લટકાવવુ અથવા બીજી કોઈ જગ્યાએ બાંધવું આ બધા કામ શરિઅતમાં નાજાઈઝ છે જેની તફસીર સુરહ કિયામહ માં આવશે. અને આ સુરહ નું નામ સુરહ સલાત, અને સુરહ અદ્-દુઆ, અને માંગવાના આદાબ પણ છે અબુ હુરૈરાહ (ર.અ.) કહે છે કે આપ(ﷺ) ને ફરમાવ્યા: જે કોઈ નમાઝ પઢે છે અને તેમાં ઉમ્મુલ-કુરઆન(સુરહ ફાતિહા)નું પઠન કરતો નથી, તેની નમાઝ ખામીયુક્ત, ખામીયુક્ત, અપૂર્ણ અને અધૂરી છે. અબુ હુરૈરા (ર.અ.)ને પૂછવામાં આવ્યું: અબુ હુરૈરાહ! શુ હું ક્યારેક ઇમામની પાછળ(એટલે કે જમાઅત) માં હોય તો? તેઓ કહેવા લાગ્યા: એ ફારસીના પુત્ર, તમે હૃદયમાં (એટલે કે મનમાં) પઢો. કારણ કે મેં અલ્લાહના રસૂલ(ﷺ)ને કહેતા સાંભળ્યા છે કે અલ્લાહ સર્વશક્તિમાન કહે છે: મેં સલાત (એટલે કે સૂરહ ફાતિહા) ને મારા અને મારા બંદાની વચ્ચે અડધી અડધી વહેંચી દીધી છે. અડધી મારા માટે અને અડધી મારા બંદા માટે, જે કંઈ તે માંગે છે. મારો બંદો (નમાઝમાં) ઊભો રહેશે અને કહેશે: આયત: ( اَلْحَمْدُ ﷲِ رَبِّ الْعَالَمِیْنَ ) الفاتحه "1) પઢે તો અલ્લાહ ફરમાવે છે કે મારા બંદાએ મારા વખાણ કર્યા પછી બંદો કહે: (الرَّحْمٰنِ الرَّحِیْمِ ) તો અલ્લાહ ફરમાવે છે કે મારા બંદાએ મારી ષના બયાન કરી, પછી બંદો કહે: ( مٰلِكِ يَوْمِ الدِّيْنِ ۭ ) તો અલ્લાહ કહે છે કે મારા બંદાએ મારી બડાઈ બયાન કરી અને ( اِيَّاكَ نَعْبُدُ وَاِيَّاكَ نَسْتَعِيْنُ ۭ ) મારા અને મારા બંદાની વચ્ચે સંવાદ છે અને બાકીના હિસ્સો મારા બંદા માટે છે અને મારા બંદાને એ મળશે જ...જે તેણે માંગ્યું હતું (મુસ્લિમ, કિતાબુસ્-સલાત) સુરહ અલ-ફાતિહા પવિત્ર કુરઆનની પ્રથમ સૂરહ છે, જેની હદીસોમાં ખૂબ જ ફઝીલત આવી છે. ફાતિહાનો અર્થ શરૂઆત અને પ્રાથમિકતા છે. તેથી જ તેને અલ-ફાતિહા એટલે કે ફાતિહ અલ-કિતાબ (કિતાબની શરૂઆત) કહેવામાં આવે છે. તેના ઘણા નામો હદીસો દ્વારા સાબિત થાય છે, ઉદાહરણ તરીકે, ઉમ્મુલ-કુરઆન, અલ-સબ્-અલ-મસાની, અલ-કુરઆન-અલ-અઝીમ, અલ-શિફા, અલ-રુકિયા (દમ) અને તે સિવાય અન્ય નામો. તેનું એક મહત્વનું નામ સલાત પણ છે, જેમ કે એક હદીસ કુદસીમાં છે કે, અલ્લાહે કહ્યું: મેં સલાત(નમાઝ)ને પોતાના અને પોતાના બંદાની દરમિયાન વહેંચી દીધી છે (સહીહ મુસ્લિમ, કિતાબુસ્સલાત) આનાથી આશય સુરહ ફાતિહા છે, જેનો અડધો હિસ્સો અલ્લાહની હમ્દ(વખાણ) અને ષના અને તેની કૃપા અને રબુબિયત(પ્રભુત્વ) અને ન્યાય અને બાદશાહત નું વર્ણન છે અને અડધો હિસ્સો દુઆ છે જે બંદાઓ અલ્લાહની બારગાહ માં કરે છે. આ હદીસમાં સુરહ ફાતિહાને નમાઝ સાથે જોડી દેવામાં આવી છે જેનો અર્થ સ્પષ્ટ છે કે નમાઝમાં આને પઢવુ ફરજિયાત છે તેથી જ નબી(ﷺ) નું ફરમાન છે કે: (لاصلوۃ لمن لم یقرا بفاتحہ الکتاب) તે વ્યક્તિની નમાઝ નહીં જેણે સુરહ ફાતિહા ન પઢી(સહીહ બુખારી અને મુસ્લિમ) આ હદીસમાં (من) "મન" શબ્દ આમ છે જે દરેક નમાઝને લગતો છે વ્યક્તિગત હોય કે ઈમામની પાછળ જમાતમાં મુકતદી હોય, સિર્રી નમાઝ હોય કે જેહરી નમાઝ, ફર્જ નમાઝ હોય કે નફીલ હોય...દરેક નમાઝમાં સુરહ ફાતિહા પઢવી જરૂરી છે. અને આ હદીસથી પણ સ્પષ્ટ માલૂમ થાય છે કે નમાઝમાં સુરહ ફાતિહા નું પઢવુ કેટલું જરૂરી છે:- એકવાર ફજરની નમાઝ દરમિયાન નબી(ﷺ) સાથે સહાબાઓ(રઝી.) પણ કુરઆનનું પઠન કરી રહ્યા હતા, જેના કારણે નબી કરીમ(ﷺ)થી તિલાવત કરવું મુશ્કેલ બની ગયું, નમાઝ પુરી થયા બાદ આપ(ﷺ)એ પુછ્યુ કે તમે પણ મારી સાથે તિલાવત કરતાં હતાં? સહાબાએ(રઝી.)એ હકારમાં જવાબ આપ્યો, તેથી પયગમ્બર(ﷺ)એ કહ્યું, "તમે એવું ન કરો (એટલે કે મારી સાથે ન પઢો) પરંતુ સૂરહ ફાતિહા જરૂર પઢો, કારણ કે તેને પાઢ્યા વગર કોઈ નમાઝ નથી." (અબુ દાઉદ, તિરમિઝી, નસાઈ) આ સુરહ મક્કી છે. મક્કી અને મદનીનો અર્થ એ છે કે જે સુરહ હિજરત (૧૩ નબૂવ્વત) થી પહેલા નાઝીલ કરવામાં આવી હોય તે મક્કી છે, પછી ભલે તે મક્કામાં અથવા તેની નજીક નાઝીલ થઈ હોય, અને મદની તે સુરહ છે જે હિજરત થયા પછી નાઝીલ થઈ હોય, ભલે તે મદીનામાં નાઝીલ થઈ હોય કે તેની નજીક, કે તેનાથી દૂર, ત્યાં સુધી કે મક્કા અને તેની આસપાસના વિસ્તારોમાં પણ નાઝીલ કેમ ન થઈ હોય? બિસ્મિલ્લાહ વિશે:- બિસ્મિલ્લાહ વિશે મતભેદ છે કે, તે દરેક સૂરહની એક આયત છે કે પછી દરેક સૂરહની આયતનો ભાગ છે, અથવા તે માત્ર સૂરહ ફાતિહાની એક આયત છે કે કોઈ સૂરહની કાયમી આયત નથી અને માત્ર તેને અન્ય સૂરહઓથી અલગ પાડવા માટે સુરહની શરૂઆતમાં લખાયેલ છે. મક્કા અને કુફાના વિદ્વાનોએ તેને સૂરહ ફાતિહા સહિત દરેક સૂરહની એક આયત તરીકે જાહેર કરી છે, જ્યારે મદીના, બસરા અને સીરિયાના વિદ્વાનોએ તેને કોઈપણ સૂરહની આયત તરીકે માન્યતા આપી નથી. સિવાય સૂરહ નમ્લની આયત નંબર 30, કે તેમાં بِسْمِ اللّٰهِ" છે. એવી જ રીતે નમાઝોમાં બિસ્મિલ્લાહ... ઉંચી અવાજથી પઢવામાં પણ મતભેદ છે કેટલાક ઉચી અવાજથી પઢવામાં માને છે તો કેટલાક ધીમી અવાજમાં પઢવામાં માને છે અને મોટાભાગના આલિમો ધીમી અવાજે પઢવામાં જ માને છે. બિસ્મિલ્લાહને શરૂઆતમાં જ ઉચ્ચારવામાં આવે છે એટલે કે હું અલ્લાહના નામથી પઢુ છું અથવા શરૂ કરું છું અથવા તિલાવત કરું છું. દરેક ખાસ અને સારૂં કામ શરૂ કરતાં પહેલાં બિસ્મિલ્લાહ પઢવાનુ ખાસ કહેવામાં આવે છે અને જરૂરી છે. તેથી જ હુકમ આપવામાં આવ્યો છે કે ખાતાં પહેલાં, ઝબ્હ કરતાં, વુઝૂ અને હમબિસ્તરી કરતાં પહેલાં બિસ્મિલ્લાહ પઢવુ જરૂરી છે. અને કુરઆનની તિલાવત કરતી વખતે بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ પઢતા પહેલાં اَعُوْذُ باللّٰہِ مِنَ الشَّیْطٰنِ الرَّجِیْمِ પઢવુ પણ જરૂરી છે જ્યારે કુરઆન પઢવાનુ શરૂ કરો તો અલ્લાહથી મરદૂદ શેતાનની પનાહ માંગો.)
اَلْحَمْدُ لِلّٰهِ رَبِّ الْعٰلَمِیْنَ۠
الْحَمْدُ
તમામ પ્રશંસા
لِلَّهِ
અલ્લાહ માટે જ છે
رَبِّ
રબ
الْعَالَمِينَ
સૌ જગતોના
📌 વિષય: અલ્લાહ
🔹 પેટા વિષય: અલ્લાહની ઓળખ
અનુવાદ: ૨. તમામ પ્રશંસા અલ્લાહ માટે જ છે, જે સમગ્ર સૃષ્ટિનો રબ (પાલનહાર) છે.
📖 તફસીર:
"અલ-હમ્દુ માં, 'અલ' એ 'ખાસ' માટે છે કે તમામ વખાણ ખાસ કરીને અલ્લાહ માટે જ છે કારણ કે વખાણનો અસલ હક અને લાયક માત્ર અલ્લાહ તઆલા જ છે. જો કોઈ વ્યક્તિમાં કોઈ ગુણવત્તા, સુંદરતા અથવા સંપૂર્ણતા છે, તો તે પણ અલ્લાહ સર્વશક્તિમાન દ્વારા બનાવવામાં આવેલ છે, એટલા માટે જ પ્રશંસા માત્ર અલ્લાહ માટે જ છે. અલ્લાહ(اللہ) એ અલ્લાહનું અંગત નામ છે, તેનો બીજા કોઈ માટે ઉપયોગ કરવો માન્ય નથી. બહેતરીન ઝિક્ર ""لَا اِلٰہ"" છે અને બહેતરીન દુઆ ""اَلْحَمْدُ لِلّٰہِ "" ને કહેવામાં આવે છે. (તિર્મિઝી, નસાઈ વગેરે)
સહીહ મુસ્લિમ અને નસાઈની રિવાયતમાં છે કે અલ-હમ્દુ લિલ્લાહ મિઝાન(ત્રાજવા) ને ભરી દે છે, તેથી જ બીજી હદીસમાં આવે છે કે અલ્લાહ આ પસંદ કરે છે કે બંદાઓ દરેક ખાવા તથા પીવા પર અલ્લાહની પ્રશંસા કરે, એટલે કે (اَلْحَمْدُ لِلّٰهِ) કહે. (સહીહ મુસ્લિમ)
રબ (رَبْ) અલ્લાહ તઆલાના અસ્મા-એ-હુસ્ના (સારા નામો) માંથી છે જેનો અર્થ દરેક વસ્તુનુ સર્જન કરીને તેની જરૂરિયાતને પૂરી કરે અને તેને પૂર્ણતા સુધી પહોંચાડવાવાળો.
આલમીન (الْعَالَمِيْنَ) તમામ સૃષ્ટિઓ નું બહુવચન છે. જેનાથી આશય તમામ જીવોની વિવિધ જાતિઓ, ઉદાહરણ તરીકે, જિન્નોની દુનિયા, મનુષ્યોની દુનિયા, ફરિશ્તાઓની દુનિયા અને પ્રાણીઓ અને પક્ષીઓની દુનિયા વગેરે. (અને એ સિવાય પણ જે આપણી જાણકારી માં નથી) અને આ તમામ જીવોની જરૂરિયાતો એકબીજાથી તદ્દન અલગ અલગ છે, પરંતુ રબ્બુલ આલમીન દરેકની જરૂરિયાતો, તેમના સંજોગો, પરિસ્થિતિઓ અને સ્વરૂપો તેમના શરીરો ને માફક અનુસાર પૂરી પાડે છે.
الرَّحْمٰنِ الرَّحِیْمِ۠
الرَّحْمَٰنِ
અત્યંત કૃપાળુ
الرَّحِيمِ
ખૂબજ દયાળુ
📌 વિષય: અલ્લાહ
🔹 પેટા વિષય: અલ્લાહની ઓળખ
અનુવાદ: ૩. (જે) ઘણો જ કૃપાળુ, અત્યંત દયાળુ, (છે).
📖 તફસીર:
"અલ્લાહની આ બે વિશેષતાઓ છે. 'રહેમાન' એટલે જેની દયા વ્યાપક છે અને 'રહીમ' એટલે જેની દયા ખાસ કરીને મોમિનો પર આખિરતમાં હશે. તમામ જહાનોના રબનો તકાજો ત્યારે જ પૂર્ણ થઈ શકે છે જ્યારે આ તમામ જહાનોનો પરવરદિગાર રહેમાન(મહેરબાન) પણ હોય અને રહીમ (અતિ દયાળુ) પણ હોય. જો અલ્લાહ તઆલા રહેમાન અને રહીમ ન હોત, તો આ દુનિયા ક્યારેય આબાદ ન થઈ હોત, પરંતુ ક્યારનીય નાશ પામી હોત. (તયસુરુલ કુરઆન)
એટલે કે અલ્લાહ તઆલા ખૂબજ દયા કરવાવાળો છે અને તેની આ સિફત(ગુણ) કાયમી છીએ...
કેટલાક વિદ્વાનો કહે છે કે રહેમાનમાં રહીમ કરતાં વધુ ભાર છે, તેથી જ તેને દુનિયા અને પરલોકમાં રહેમાન કહેવામાં આવે છે. દુનિયામાં તેની રહેમત(દયા) જેમાં કંઈપણ રુકાવટ વગર કાફિરો પણ અને મૉમિનો પણ દરેકે દરેક પર સમાન રીતે કૃપા થાય છે, અને પરલોકમાં તે ફક્ત રહીમ હશે. એટલે કે તેની દયા ફક્ત મૉમિનો માટે જ વિશેષ હશે...
اللھم اجعلنا منھم۔ آمین
(અહસનુલ બયાન)
مٰلِكِ يَوْمِ الدِّینِؕ
مٰلِكِ
માલિક
يَوْمِ
દિવસ
الدِّينِ
બદલા(ન્યાય)
📌 વિષય: અલ્લાહ
🔹 પેટા વિષય: અલ્લાહની ઓળખ
અનુવાદ: ૪. બદલા(ન્યાય)ના દિવસનો માલિક છે.
📖 તફસીર:
"દુનિયામાં પણ કરેલાં કરતૂતોની સજા એક સમયે ક્યારેક તો મળે છે તેમ છતાંય પૂરેપૂરી યાતના તો પરલોકમાં મળશે અને અલ્લાહ તઆલા દરેક વ્યક્તિને તેના સારા કર્મો અથવા ખરાબ કર્મોના પ્રમાણે જજા(ઈનામ) અથવા સજા આપશે...
અને માત્ર અલ્લાહ તઆલા જ હશે. તે દિવસે અલ્લાહ કહેશે કે આજે કોની બાદશાહત છે? પછી તે જ જવાબ આપશે માત્ર એક અલ્લાહ સર્વશક્તિમાનની, તે દિવસે કોઈ પણ વ્યક્તિની કોઈની ઉપર સત્તા નહીં હોય, સમગ્ર મામલો અલ્લાહના હાથમાં જ હશે, આ હશે જજા એટલે કે બદલાનો દિવસ."
اِیَّاكَ نَعْبُدُ وَ اِیَّاكَ نَسْتَعِیْنُؕ
اِيَّاكَ
તારી જ
نَعْبُدُ
અમે ઈબાદત કરીએ છીએ
وَاِيَّاكَ
અને તારાથી જ
نَسْتَعِيْنُ
મદદ માંગીએ છીએ
📌 વિષય: ઈબાદત
અનુવાદ: ૫. અમે ફકત તારી જ બંદગી કરીએ છીએ અને ફકત તારી જ પાસે મદદ માંગીએ છીએ.
📖 તફસીર:
"ઈબાદતનો અર્થ કોઈની રજા(ખુશી) માટે અત્યંત નમ્રતા અને સંપૂર્ણ ખૂસૂઅનો ઈઝહાર, અને ઈમામ ઈબ્ને કષીરના મતે શરિયતમાં હદ વગરની મુહબ્બત, નમ્રતા અને ખૌફ અને ડરના સંયોજનનું નામ ઈબાદત છે, એટલે કે જે જાતથી મુહબ્બત પણ હોય, તેની સામે નમ્રતા કમજોરી, લાચારી નો ઈઝહાર પણ હોય દરેક પ્રકારથી તેની પકડનો ડર પણ હોય.
અમે તારી જ ઈબાદત કરીએ છીએ અને તારાથી જ મદદ માંગીએ છીએ. અલ્લાહ સિવાય બીજા કોઈની ઈબાદત કરવી માન્ય નથી અને કોઈનાથી મદદ માંગવી પણ માન્ય નથી. આ શબ્દો થી શિર્ક(બહુદેવવાદ)ની જડો કાપી નાખી છે...
પરંતુ જેમના દિલમાં શિર્કનો રોગ છે, તેઓ મા-ફવ્કલ-અસબાબ અને મા-તહત-લ અસબાબ મતલબના ફરકને નજરઅંદાજ કરીને લોકોને ભ્રમિત કરી દે છે...
અને તેઓ કહે છે, ""જુઓ, જ્યારે આપણે બીમાર પડીએ છીએ, ત્યારે આપણે ડૉક્ટરની મદદ લઈએ છીએ, પત્ની પાસેથી મદદ માંગીએ છીએ, ડ્રાઈવર અને અન્ય મનુષ્યો પાસેથી મદદ લઈએ છીએ. આ રીતે, તેઓ લોકોને વિશ્વાસ કરાવે છે કે અલ્લાહ સિવાય પણ અન્યથી મદદ લેવી માન્ય છે, જો કે, સંજોગોવસાત એક બીજાથી મદદ માંગવી અને એકબીજાને મદદ કરવી એ શિર્ક નથી, આ તો અલ્લાહ તઆલા દ્વારા બનાવવામાં આવેલ સિસ્ટમ છે. જેમાં તમામ કામો દેખીતા કારણો અનુસાર કરવામાં આવે છે...
ત્યા સુધી કે અંબિયા(પ્રબોધકો) પણ મનુષ્યો પાસેથી મદદ મેળવતા. હઝરત ઈસા(અ.સ.) એ કહ્યું:
( من انصاری الی اللہ)
(અલ્લાહના દીન માટે મારો મદદગાર કોણ છે?)
અલ્લાહ તઆલાએ ઈમાનવાળાઓને કહ્યું:
(ۘوَتَعَاوَنُوْا عَلَي الْبِرِّ وَالتَّقْوٰى)
નેક(સારા) કાર્યો અને તકવા(ધર્મનિષ્ઠા) કરવામાં એકબીજાને મદદ કરો. (સૂરહ મયદહ:- 02)
સ્વાભાવિક છે કે આવી મદદ માન્ય છે તેનો શિર્ક સાથે શું સંબંધ છે?
શિર્ક એ છે કે જે વ્યક્તિ બાહ્ય કારણોની દ્રષ્ટિએ મદદ કરવા સક્ષમ ન હોય, જેમ કે મૃત વ્યક્તિને મદદ માટે પોકારવું, તેને મુશ્કિલકુષા અને હાજતરવા માનવું અને તેને નફાબક્ષ માનવો. અને દૂર-નજીકના દરેકની ફરિયાદ સાંભળવાની શક્તિ હોય તેવું માનવું. તેને કહેવાય ""મા-ફવ્કલ અસબાબ"" થી મદદ માંગવી અને તેને ખુદાઈ લક્ષણો ધરાવતું હોવાનું માને છે. તેનું નામ શિર્ક છે, જે કમનસીબે મુહબ્બતે ઔવલિયાના નામ પર કેટલાક મુસ્લિમ દેશોમાં આમ થઈ ચુક્યું છે.
اعاذنا اللہ منہ۔
તૌહીદના ત્રણ પ્રકાર:-
અહીં યોગ્ય છે કે તૌહીદના ત્રણ પ્રકારોનું પણ ટૂંકમાં વર્ણન કરી લઈએ. આ પ્રકારો આ પ્રમાણે છે. (૧). તૌહીદે રુબૂબિયત (૨). તૌહીદે ઉલૂહિયત (૩). તૌહીદે અસ્મા-વ-સિફાત
(૧). તૌહીદ રુબૂબિયતનો અર્થ એ છે કે આ સૃષ્ટિનો માલિક, રોજીરોટી આપનાર, તથા સૃષ્ટિને ચલાવનાર ફક્ત અલ્લાહ સર્વશક્તિમાન છે અને આ તૌહીદને થોડાંક લોકો સિવાય બધા લોકો માનતા હતાં, ત્યાં સુધી કે મક્કાના મુશરિકો(બહુદેવવાદીઓ) પણ તેને માનતા હતાં અને માને પણ છે...
જેમ કે પવિત્ર કુરઆનમા મક્કાના મુશરિકો વિષે અલ્લાહ ફરમાવે છે કે: અય પયગંબર (ﷺ) જરા તેમને પૂછો કે આકાશ અને જમીનમાં રોજીરોટી કોણ આપે છે અથવા (તમારા) કાન અને આંખોનો માલિક કોણ છે? અને નિર્જીવમાંથી સજીવ અને સજીવમાથી નિર્જીવ ને કોણ પૈદા કરે છે, અને દુનિયાના કામકાજનું સંચાલન કોણ કરે છે? તરત જ કહી દેશે કે (અલ્લાહ) એટલે કે તમામ કામકાજનુ સંચાલન કરનાર અલ્લાહ છે. (સૂરહ યૂનૂસ:-31)
આ ઉપરાંત સૂરહ મુમિનીન, આયત નં 84-89 પણ જૂઓ...
(૨). તૌહીદે ઉલૂહિયત:- નો અર્થ છે કે ઈબાદતના તમામ પ્રકારનો હકદાર માત્ર અલ્લાહ તઆલા જ છે અને ઈબાદત તે દરેક કામને કહેવાય છે જેમાં કોઈ ખાસ જાત અને હસ્તીની રજામંદી માટે તથા તેની નારાજગીના ડરથી કરવામાં આવે છે એટલા માટે નમાજ, રોજા, હજ અને ઝકાત ફક્ત આ જ ઈબાદત નથી પરંતુ એ ખાસ હસ્તીથી દુઆ અને આજીજી કરવી, તેના નામની નજર તથા મન્નત માનવી, તેની સામે અદબ સાથે અને હાથ બાંધીને ઊભા રહેવું, તેના તવાફ( પ્રદક્ષિણા) કરવા, તેનાથી ઉમ્મીદ અને ડર રાખવો વગેરે પણ ઈબાદતના પ્રકાર છે. અને કબરોમાં દફન અને મુત્યુ પામેલા બુઝુર્ગો તથા વડીલો માટે જો ઉપરોક્ત જણાવેલ કાર્યો કરવામાં આવે તો તે શિર્ક છે...
(૩). તૌહીદે અસ્મા-વ-સિફાત નો અર્થ છે કે: કુરઆન અને હદીસમાં વર્ણવેલ અલ્લાહની વિશેષતાઓને કોઈપણ અર્થઘટન અથવા વિના સંકોચે સ્વીકારવું અને તે વિશેષતાઓ અન્ય કોઈ પણ માં નથી તેવું માનવું, ઉદાહરણ તરીકે, જેમ કે તેની વિશેષતા ઈલ્મે-ગૈબ(પરોક્ષજ્ઞાન) છે, અથવા તે દૂર-નજીકથી દરેકની ફરિયાદ સાંભળવાની કુદરત ધરાવે છે, બ્રહ્માંડની દરેક વસ્તુમાં ફેરફાર કરવાનો અધિકાર તેને છે અથવા આ પ્રમાણેની કોઈપણ વિશેષતા કે ગુણ અલ્લાહ સિવાય કોઈ પણ નબી કે વલી અથવા કોઈ પણ વ્યક્તિ માટે માનવું જાયઝ નથી. અને જો આવું માન્યું તો તે શિર્ક છે અફસોસ છે કે કબરપરસ્તી કરનારાઓમાં આ પ્રમાણેનું શિર્ક આમ થઈ ગયું છે અને તેઓએ અલ્લાહની કેટલીક વિશિષ્ટતાઓને તેના બંદાઓ માં શામેલ કરી રાખી છે.
(اعاذنا اللہ منہ۔)"
اِهْدِنَا الصِّرَاطَ الْمُسْتَقِیْمَۙ
اهْدِنَا
અમને હિદાયત આપ
الصِّرَاطَ
માર્ગ (રસ્તો)
الْمُسْتَقِيمَ
સીધો
📌 વિષય: દુઆ
🔹 પેટા વિષય: હિદાયત માટેની દુઆ
અનુવાદ: ૬. અમને સત્ય (અને સાચો) માર્ગ બતાવ.
📖 તફસીર:
"અમને (સીધો રસ્તો) બતાવ, હિદાયત આપ... હિદાયતના ઘણા મતલબ છે: (સીધા) રસ્તા પર ચલાવી દે, મંઝિલ સુધી પહોંચાડવું, આને અરબી ભાષામાં ધ્યેય(ટાર્ગેટ) સુધી પહોંચવાનો આશય છે એટલે કે અમને માર્ગ પ્રદર્શિત કર. અને તેના પર ચાલવાની તૌફીક અને સાબિતકદમી(જમાયેલા રહીએ)ની તાકાત આપ, જેથી અમને તારી રજા અને ખુશનૂદી પ્રાપ્ત થઈ જાય...
શબ્દ ""صراط مستقیم"" આ સીધી રસ્તો ફક્ત અકલ(બુધ્ધિ) અને હોશિયારી તથા તેજીથી પ્રાપ્ત નહીં થાય, આ સીધો રસ્તો તો 'ઈસ્લામ' નું નામ છે જેને નબી(ﷺ) એ દુનિયાની સામે રજૂ કર્યો અને હવે તે આ કિતાબ(કુરઆન) અને સહીહ હદીસમાં સુરક્ષિત છે.
صِرَاطَ الَّذِیْنَ اَنْعَمْتَ عَلَیْهِمْ ۬ۙ غَیْرِ الْمَغْضُوْبِ عَلَیْهِمْ وَ لَا الضَّآلِّیْنَ
صِرَاطَ
માર્ગ
الَّذِيۡنَ
એ લોકોનો
اَنۡعَمۡتَ
તે ઈનામ કર્યું
عَلَيۡهِمۡ
તેમના પર
غَيۡرِ
ના (એ લોકોનો નહીં)
الۡمَغۡضُوۡبِ
(તારો) પ્રકોપ થયો
عَلَيۡهِمۡ
તેમના પર
وَلَا
અને ના
الضَّآلِّيۡنَ
પથભ્રષ્ટોના
📌 વિષય: દુઆ
🔹 પેટા વિષય: હિદાયત માટેની દુઆ
અનુવાદ: ૭. તે લોકોનો માર્ગ, જેમના પર તે કૃપા કરી. તે લોકોનો (માર્ગ) નહીં, જેમના પર તું ક્રોધિત થયો અને તેમનો પણ નહીં, જેઓ પથભ્રષ્ટ છે.
📖 તફસીર:
"અન્ અમ્-ત:- (તે ઈનામ કર્યું) આ ઈનામથી આશય તે સીધો રસ્તો છે જેના પર તે લોકો ચાલશે જેમને તે ઈનામ આપ્યું છે, આ જૂથ નબીયો, શહીદો, સિદ્દીકો અને સાલેહીન(નેક લોકો) નું છે. જેમ કે સૂરહ નિસા ની આયત નં ૬૯ માં છે ""અને જે અલ્લાહ અને તેના પયગંબરોની આજ્ઞાનું પાલન કરે છે તેઓ (કયામતના દિવસે) તે લોકોની સાથે હશે જેના પર અલ્લાહ એ ઈનામ કર્યું, એટલે કે નબીયો, શહીદો, સિદ્દીકો અને સાલેહીન(નેક લોકો) માંથી છે અને તેમની નજદીકી (સાથ) ખૂબ સારો છે."" (સૂરહ નિસા આયતનં:-69)
આ આયત માં સ્પષ્ટ જણાવી દીધું કે જેના પર અલ્લાહે ઈનામ કર્યું છે તેમનો રસ્તો અલ્લાહ અને તેના રસૂલની ઈતાઅત(અજ્ઞાપાલન)નો જ રસ્તો છે, ન કે બીજો કોઈ રસ્તો...
કેટલીક રિવાયતોથી સાબિત છે કે ""મગજૂબિ-અલૈહિમ"" (જેના પર અલ્લાહનો ગજબ(ક્રોધ) ઉતર્યો) થી આશય યહૂદી અને ""અજ્જાલ્લીન"" (ગુમરાહો-ભટકેલાઓ) થી આશય નસારા (ઈસાઈ) છે...
એટલા માટે સીધા રસ્તા પર ચાલનારાઓ માટે જરૂરી છે કે તેઓ યહૂદી અને ઈસાઈઓ બંન્નેની ગુમરાહીથી બચીને રહે, યહૂદીઓની મોટી ગુમરાહી એ હતી કે જાણીજોઈને, ઠઠ્ઠા-મશ્કરી કરીને સીધા રસ્તા પર નથી ચાલતાં તથા કુરઆનની આયતોના ઉંધા મતલબ કાઢીને બહાનાઓ બનાવે છે અને હઝરત ઉઝૈરને અલ્લાહનો પુત્ર કહે છે અને પોતાના આલિમો અને બુઝુર્ગોને હરામ - હલાલ ઠેરવવાનો હક આપી રાખ્યો છે...
અને ઈસાઈઓની મોટી ગુમરાહી એ છે કે તેઓએ હઝરત ઈસા(અ.સ.)ને અલ્લાહ નો પુત્ર કહ્યો અને ત્રણ ખુદાઓ માંથી એક જાહેર કરે છે...
અફસોસ ઉમ્મતે મુહમ્મદીયાએ પણ નબી(ﷺ)ની શાન માં હદ વટાવી દીધી જેના કારણે તે રુસવા (બે-આબરુ) થઈ. અલ્લાહ તઆલા આ ગુમરાહીના દલદલ માંથી નીકાળે જેથી જીલ્લત અને પરાજયના પડછાયાથી સુરક્ષિત રહી શકે...
સૂરહ ફાતિહાની સમાપ્તિ પર આમીન કહેવાનું નબી(ﷺ) એ ખાસ જરૂરી અને ફઝીલત બયાન કરી છે, એટલા માટે ઈમામ(નમાજ પઢાવનાર) અને મુકતદી(નમાજ પઢનારાઓ) બંન્નેને જ આમીન કહેવું જોઈએ. નબી(ﷺ) (જેહરી નમાઝમાં:- એટલે કે જેમાં કિરાઅત બુલંદ અવાજથી પઢવામાં આવે) ઉંચી અવાજે આમીન કહેતાં હતાં અને સહાબા(રજી.) પણ , અહીં સુધી કે મસ્જીદ ગૂંજી ઉઠતી. આની દલીલ માટે જુઓ (સહીહ બુખારી, હદીસ નં:- 780,782 સુનન ઈબ્ને માજા, હદીસ નં:- 853, અબૂ દાઉદ:- 934) તેથી જ આમીન જોરથી કહેવું સુન્નત અને સહાબા રજી. નો આના પર અમલ હતો...
આમીન ના ઘણા અર્થ બયાન કરવામાં આવ્યાં છે (૧). આવી રીતે થાય (૨). અમને ના મુરાદ ન કરજે (૩). એ અલ્લાહ! અમારી દુઆ કબૂલ કરી લે"